સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Saturday, September 15, 2012

BHAJAN


હું તમને સમરું ગજાનન દેવા
મારા અંતરમાં કરો અજવાળા
સરસ્વતીમાતા શારદાને સમરું
મારા મનડાનો મેલ ઉતારો હો જી રે…
પીળા પીતાંબર કેસરિયા વાઘા
તારી કંચનવરણી કાયા, હો જી રે…
*******

જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું
મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું [2]

આ રે કાયા રે હંસા ડોલવાને લાગી રે [2]
પડી ગયા દાંત માહ્યલી રેખું તો રહ્યું
-- મારો હંસલો નાનો ને

તારે ને મારે હંસા પ્રીત્યું બંધાણી રે [2]
ઉડી ગયો હંસ પિંજર પડી તો રહ્યું
-- મારો હંસલો નાનો

બાઈ મીરા કહે છે પ્રભુ ગિરિઘરના ગુણ [2]
પ્રેમનો પીયાલો તમને પાઉં ને પીયું
-- મારો હંસલો નાનો


રંગાઇ જાને રંગમાં…..
સીતારામ તણા સતસંગમાં
રાધેશ્યામ તણા તુ રંગમાં…..રંગાઇ…..

આજે ભજશું, કાલે ભજશું,
ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધેશ્યામ,
શ્વાસ તૂટશે, નાડી તૂટશે, પ્રાણ નહીં રે તારા અંગમાં…..રંગાઇ…..

જીવ જાણતો ઝાઝું જીવશું, મારું છે આ તમામ,
પહેલાં અમર કરી લઉં નામ,
તેડું આવશે, યમનું જાણજે, જાવું પડશે સંગમાં…..રંગાઇ…..

સૌ જન કહેતા પછી જપીશું, પહેલાં મેળવી લોને દામ,
રહેવા ના કરી લો ઠામ,
પ્રભુ પડ્યો છે એમ, ક્યાં રસ્તામાં, સૌ જન કહેતા વ્યંગમાં…..રંગાઇ….

ઘડપણ આવશે ત્યારે ભજશું, પહેલાં ઘરના કામ તમામ,
પછી ફરીશું તીરથ ધામ,
આતમ એક દિન ઊડી જાશે, તારું શરીર રહેશે પલંગમાં…..રંગાઇ…..

બત્રીસ જાતનાં ભોજન જમતાં, ભેળી કરીને ભામ,
એમાં ક્યાંથી સાંભરે રામ,
દાન-પુણ્યથી દૂર રહ્યો તું, ફોગટ ફરે છે ઘમંડમાં…..રંગાઇ…..

રંગ રાગમાં ક્યારે રટાશે, રહી જશે આમ ને આમ,
માટે ઓળખ આતમરામ,
બાબા આનંદે હરિ ૐ અખંડ છે, ભજ તું શિવના સંગમાં…..રંગાઇ…..






સ્વર: કૌમુદી મુનશીહરિને ભજતા હજી કોઈની લાજ જતી નથી જાણી રે
જેની સૂરતા શામળીયા શ્યામ વદે વેદ વાણી રે

હે વ્હાલે ઉગાર્યો પ્રહલાદ હિરણ્યાકશપ માર્યો
વિભિષણને આપ્યું રાજ રાવણ સંહાર્યો રે

હે વ્હાલે નરસિંહ મહેતાને હાર હાથો હાથ આપ્યો રે
ધ્રુવને આપ્યુ અવિચલ રાજ પોતાનો કરી સ્થાપ્યો રે

હે વ્હાલે મીરા તે બાઈનાં ઝેર હળાહળ પીધાં રે
પાંચાલીનાં પૂર્યા ચીર પાંડવ ઠામ કીધાં રે

હે આવો હરિ ભજવાનો લ્હાવો ભજન કોઈ કરશે રે
કર જોડી કહે પ્રેમળદાસ ભવોનાં દુઃખ હરશે રે
-- હરિને ભજતા



કીડી બિચારી કીડલી ને કીડીના લગનીયા લેવાય
પંખી પારેવડા ને નોતર્યા…હે કીડી ને આપ્યા સન્માન
હાલો ને કીડીબાઇની જાનમાં….
મોરલે બાંધ્યો રૂડો માંડવો રે, ખજુરો પિરસે ખારેક
ભુંડે રે ગાયાં રૂડાં ગીતડાં…હે પોપટ પિરસે પકવાન,
હાલો ને કીડીબાઇની જાનમાં….
મંકોડાને મોકલ્યો માળવે રે લેવા માંડવીયો ગોળ
મંકોડો કેડે થી પાતળો…હે ગોળ ઉપડ્યો ન જાય
હાલો ને કીડીબાઇની જાનમાં….
મીનીબાઇને મોકલ્યાં ગામમાં રે એવા નોતરવાં ગામ
હામા મળ્યા બે કૂતરા…હે બિલાડીના કરડ્યા બે કાન
હાલો ને કીડીબાઇની જાનમાં….
ઘોડે રે બાંધ્યા પગે ઘુઘરા રે, કાકીંડે બાંધી છે કટાર
ઉંટે રે બાંધ્યા ગળે ઢોલકા…હે ગધેડો ફુંકે હરણાઇ
હાલો ને કીડીબાઇની જાનમાં….
ઉંદરમામા હાલ્યા રે રીહામણે ને, બેઠા દરીયાને પેટ
દેડકો બેઠો ડગમગે…હે મને કપડાં પેહરાવ
જાવું છે કીડીબાઇની જાનમાં….
વાંસડે ચડ્યો એક વાંદરો રે, જુએ જાનની વાટ
આજતો જાનને લુટવી…હે લેવા સર્વેના પ્રાણ
હાલો ને કીડીબાઇની જાનમાં….
કઇ કીડીની કોની જાન છે રે, સંતો કરજો વિચાર
ભોજા ભગતની વિનતી…હે સમજો ચતુર સુજાણ
હાલો ને કીડીબાઇની જાનમાં….
કીડી બિચારી કીડલી ને કીડીના લગનીયા લેવાય
પંખી પારેવડા ને નોતર્યા…હે કીડી ને આપ્યા સન્માન
હાલો ને કીડીબાઇની જાનમાં…..
- ભોજા ભગત



કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે...
એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે... કાનજી.
માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે...
ગોપીઓએ તારું ઘર કેરાણુ જઈ ખુણામાં પેઠું રે... કાનજી.
ઝુલણ પહેરતાં નહોતું આવડતું અમે તે દી' પહેરાવતાં રે...
ભરવાડોની ગાળ્યું ખાતો અમે તે દિ' છોડાવતાં રે... કાનજી.
કાલો ઘેલો તારા માત-પિતાનો અમને શેના કોડ રે...
કરમ સંજોગે આવી ભરાણા આંગણાં જોડાજોડ રે... કાનજી.
ઘૂટણીયા ભેર હાલતો ચાલતો બોલતો કાલું ઘેલું રે...
ભલે મલ્યા મહેતા નરસિંહના સ્વામી પ્રેમ ભક્તિમાં રેલું રે...કાનજી.
 - નરસિંહ મહેતા

જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમાં કોણ જાશે ?
ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા
વડો રે ગોવાળિયો કોણ થાશે ? … જાગને
દહીંતણા દહીંથરા, ઘી તણાં ઘેબરાં
કઢિયેલ દૂધ તે કોણ પીશે ?
હરિ મારો હાથિયો, કાળી નાગ નાથિયો
ભૂમિનો ભાર તે કોણ લેશે ? … જાગને
જમુનાને તીરે ગૌધણ ચરાવતાં
મધુરી શી મોરલી કોણ વાહશે ?
ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રિઝીએ
બૂડતાં બાંયડી કોણ સાહશે ? … જાગને
 - નરસિંહ મહેતા


વા વાયા ને વાદળ ઊમટ્યાં,
ગોકુળમાં ટહુક્યા મોર,
મળવા આવો સુંદીરવર શામળિયા.
તમે મળવા તે ના’વો શા માટે
નહીં આવો તો નંદજીની આણ ... મળવા.
તમે ગોકુળમાં ગોધન ચોરંતા,
તમે છો રે સદાના ચોર ... મળવા.
તમે કાળી તે કામળી ઓઢંતા,
તમે ભરવાડના ભાણેજ ... મળવા.
તમે વ્રજમાં તે વાંસળી વાજંતા,
તમે ગોપીઓના ચિત્તના ચોર ... મળવા.
મહેતા નરસિંહના સ્વામી શામળિયા,
એમને તેડી રમાડ્યા રાસ ... મળવા.
- નરસિંહ મહેતા

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી
મારી હૂંડી શામળિયાને હાથ રે , શામળા ગિરધારી

રાણાજીએ રઢ કરી, વળી મીરા કેરે કાજ
ઝેરના પ્યાલા મોકલ્યાં રે, વ્હાલો ઝેરના જારણહાર રે
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

સ્થંભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધરિયાં નરસિંહ રૂપ
પ્રહલાદને ઉગારિયો રે, વ્હાલે માર્યો હરણાકંસ ભૂપ રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

ગજને વ્હાલે ઉગારિયો, વળી સુદામાની ભાંગી ભૂખ
સાચી વેળાના મારા વ્હાલમા રે, તમે ભક્તોને આપ્યાં ઘણાં સુખ રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

પાંડવની પ્રતિજ્ઞા પાળી, વળી દ્રૌપદીનાં પૂર્યાં ચીર,
નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારજો રે, તમે સુભદ્રાબાઈના વીર રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

ચાર જણા તીરથવાસી ને, વળી રૂપિયા સો સાત,
વહેલા પધારજો દ્વારિકા રે, એને ગોમતી નાહ્યાની ખાંત રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

રહેવાને નથી ઝૂંપડું, વળી જમવા નથી જુવાર,
બેટો બેટી વળાવિયાં રે, મેં તો વળાવી ઘર કેરી નાર રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

ગરથ મારું ગોપીચંદન, વળી તુલસી હેમનો હાર,
સાચું નાણું મારો શામળો રે, મારે દોલતમાં ઝાંઝપખાજ રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

તીરથવાસી સૌ ચાલિયા, વળી આવ્યા નગરની માંહ્ય,
આ શહેરમાં એવું કોણ છે રે, જેનું શામળશા એવું નામ
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

નથી બ્રાહ્મણ નથી વાણિયો, નથી ચારણ નથી ભાટ,
લોક કરે ઠેકડી, નથી શામળશા શેઠ એવું નામ રે
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

તીરથવાસી સૌ ચાલીયા, વળી આવ્યા નગરની બહાર,
વેશ લીધો વણિકનો રે, મારું શામળશા શેઠ એવું નામ રે
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

હૂંડી લાવો હાથમાં, વળી આપું પૂરા દામ,
રૂપિયા આપું રોકડા રે, મારું શામળશા એવું નામ રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

હુંડી સ્વીકારી વ્હાલે શામળે, વળી અરજે કીધા કામ
મહેતાજી ફરી લખજો, મુજ વાણોતર સરખાં કાજ રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

- નરસિંહ મહેતા


મારો હેલો સાંભળો જી








Powered by Podbean.com



સ્વર:- મન્ના ડે
હેઈ...........હેજી રે
હે.... રણુજાના રાજા, અજમાલજીના બેટા
વીરમદેના વીરા, રાણી હેતલના ભરથાર
મારો હેલો સાંભળો હો... હો.. હોજી

હેઈ... હેલો મારો સાંભળો રણુજાના રાય
હુકમ કરો તો પીર જાતરાયુ થાય
મારો હેલો સાંભળો હો.. હો.. હોજી

હે......... હે જી રે....
હે... વાણિયો ને વાણિયણે ભલી રાખી ટેક
પુત્ર ઝૂલે પારણે તો જાતરા કરશું એક
મારો હેલો સાંભળો હો..હો..જી

હે....... હેજી રે.....
વાણિયો ને વાણિયણ જાતરાએ જાય
માલ દેખી ચોર એની વાંહે વાંહે જાય
મારો હેલો સાંભળો હો.. હો..જી

હે..... હેજી રે...
હે... ઊંચી ઊંચી ઝાડિયું ને વસમી છે વાટ
બે હતા વાણિયાને તીજો થયો સાથ
મારો હેલો સાંભળો હો... હો...જી

હે...... હેજી રે......
ઊંચા ઊંચા ડુંગરા ને વચમા છે ઢોલ
મારી નાખ્યો વાણિયા ને માલ લઈ ગયા ચોર
મારો હેલો સાંભળો હો.. હો...જી

હે...................
ઊભી ઊભી અબળા કરે રે પુકાર
સોગટે રમતા પીરને કાને ગયો સાદ
મારો હેલો સાંભળો હો.. હો..જી

હે લીલુડો છે ઘોડલો ને હાથમાં છે તીર
વાણિયાની વ્હારે ચઢ્યા રામ દે પીર
મારો હેલો સાંભળો હો... હો... જી

હે...ઊઠ ઊઠ અબળા ગઢમાં તું જો
ચારે ભુવનમાંથી શોધી લાવું ચોર
મારો હેલો સંભળો હો... હો...જી

હે... ભાગ ભાગ ચોરડા તું કેટલેક જઈશ
વાણિયાનો માલ તું કેટલા દા’ડા ખઈશ
મારો હેલો સાંભળો હો.. હો.. જી





મેરુ તો ડગે જેનાં મન નવ ડગે, પાનબાઈ
મરને ભાંગી પડે બ્રહ્માંડજી;
વિપત્તિ પડે તોય વણસે નહીં;
સોઈ હરિજનનાં પ્રમાણજી.
ચિત્તની વૃતિ જેની સદા રહે નિર્મળી,
ને કરે નહીં કોઈની આશજી;
દાન દેવે પણ રહે અજાચી,
રાખે વચનમાં વિશ્વાસ જી – મેરુ.
હરખ ને શોકની આવે નહી હેડકી,
આઠે પહોર રહે આનંદજી,
નિત્ય રહે સત્સંગમાં ને
તોડે માયા કેરા ફંદજી – મેરુ.
તન મન ધન જેણે ગુરુને અર્પ્યાં,
તેનું નામ નિજારી નર ને નારજી,
એકાંતે બેસીને અલખ આરાધે તો,
અલખ પધારે એને દ્વારજી – મેરુ.
સતગુરુ વચનમાં શૂરા થઈ ચાલે,
શીશ તો કર્યાં કુરબાન રે,
સંકલ્પ વિકલ્પ એકે નહિ ઉરમાં,
જેણે મેલ્યાં અંતરનાં માન રે – મેરુ.
સંગત કરો તો એવાની કરજો,
જે ભજનમાં રહે ભરપુરજી,
ગંગા સતી એમ બોલિયાં, પાનબાઈ
જેનાં નેણોમાં વરસે ઝાઝાં નૂરજી – મેરુ.
- ગંગા સતી

વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ !
નહિતર અચાનક અંધારા થાશે જી;
જોત રે જોતાંમાં દિવસો વહી જશે પાનબાઇ !
એકવીસ હજાર છસોને કાળ ખાશે જી … વીજળીને ચમકારે

જાણ્યા રે જેવી આ તો અજાણ છે રે વસ્તુ પાનબાઇ !
અધૂરિયાને નો કે’વાય જી,
ગુપત રસનો આ ખેલ છે અટપટો,
આંટી મેલો તો સમજાય જી … વીજળીને ચમકારે

મન રે મૂકીને તમે આવો રે મેદાનમાં પાનબાઇ !
જાણી લીયો જીવ કેરી જાત જી;
સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને,
બીબે પાડી દઉં બીજી ભાત જી … વીજળીને ચમકારે

પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુ પાનબાઇ !
તેનો રે દેખાડું તમને દેશજી,
ગંગા રે સતી એમ બોલિયાં રે સંતો,
ત્યાં નહિ માયાનો જરીયે લેશ જી … વીજળીને ચમકારે

- ગંગા સતી

શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ
જેના બદલે નહીં વ્રતમાન રે
ચિત્તની વૃત્તિ જેની સદા રહે નીર્મળી રે
જેને મહારાજ થયાં મહેરબાન રે .... શીલવંત સાધુને
શત્રુ ને મિત્ર જેને એકેય નહીં ઉરમાં ને
પરમારથમાં જેને ઝાઝી પ્રીત રે,
મન કર્મ વાણીએ એ તો વચનમાં ચાલે
એવી રૂડી પાળે જોને રીત રે .... શીલવંત સાધુને
આઠે પહોર એ તો મસ્ત થઈને રહે ને
એનાં જાગી ગયો તુરિયનો તાર રે,
નામ ને રૂપ જેણે મિથ્યા કરી માન્યું ને
સદાય ભજનનો જેને આરત રે ... શીલવંત સાધુને
સંગત તમે જ્યારે એવાની કરશો
ત્યારે ઉતરશો ભવ પાર રે,
ગંગા સતી એમ બોલિયાં રે પાનબાઈ
દેખાડે હરિ કેરા દ્વાર .... શીલવંત સાધુને
- ગંગા સતી


ઓ લાલ મેરી પત રખીયો બલા ઝૂલે લાલન






स्वरः- रुना लैला

ओ लाल मेरी पत रखियो बला झुले लालण
सिंदरी दा, सेवण दा, सखी शाहबाज़ कलंदर
दमादम मस्त कलंदर, अली दम दम दे अंदर
दमादम मस्त कलंदर, अली दा पहेला नंबर

चार चराग तेरे, बर्ण हमेशा - [3]
पंजवा में बारण, आइ बला झुले लालण
सिंदरी दा, सेवण दा, सखी शाहबाज़ कलंदर
दमादम मस्त कलंदर, अली दम दम दे अंदर
दमादम मस्त कलंदर, अली दा पहेला नंबर
लाल मेरी पत रखियो

हिंद सिंद पीरा तेरी नौबत बाजे - [3]
नाल वजे घडियाल बला झुले लालण
सिंदरी दा, सेवण दा, सखी शाहबाज़ कलंदर
दमादम मस्त कलंदर, अली दम दम दे अंदर
दमादम मस्त कलंदर, अली दा पहेला नंबर
लाल मेरी पत रखियो

दम पीरा तेरी खैर होवे - [3]
नाम-ए-अली बेडा पार लगा झुले लालण
सिंदरी दा, सेवण दा, सखी शाहबाज़ कलंदर
दमादम मस्त कलंदर, अली दम दम दे अंदर
दमादम मस्त कलंदर, अली दा पहेला नंबर
लाल मेरी पत रखियो


No comments:

Post a Comment