સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Wednesday, September 5, 2012

શિક્ષકોનો આજે દિવસ છે. શિસ્ત, ક્ષમા અને કલ્યાણના આરાધકોને યાદ કરી, તેમની નિઃસ્વાર્થ અને તટસ્થ કર્મયોગિતાને વંદન કરવા માટે દેશના વિદ્યાપ્રેમીઓ ગુરુઓને વંદન કરે છે. ખાસ કરીને પાંચમી સપ્ટેમ્બરને એટલે જ શિક્ષકોના ગુણગાન કરવા માટે શિક્ષકદિન (દીન) તરીકે ઉજવવામાં આવે છે. ભારતના રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ની યાદમાં પાંચમી સપ્ટેમ્બર પસંદ કરવામાં આવી. ભારતનો એક શિક્ષક રાષ્ટ્રપતિ થઈ શકે છે, આ ઘટનાને શિક્ષકના સાર્મ્થ્ય સાથે જોડીને શિક્ષકોને ઉત્સાહિત કરવામાં આવે છે.

ડો. રાધાકૃષ્ણન્ શિક્ષકમાંથી રાષ્ટ્રપતિ બન્યા. વર્ષોથી આદરપૂર્વક ડો. રાધાકૃષ્ણન્ને ભારતીય પ્રજા સગર્વ યાદ કરે છે, પરંતુ રાધાકૃષ્ણન્ પછી અનેક શિક્ષકો સત્તા ઉપર આવ્યા. દેશ અને દુનિયામાં ઘણા શિક્ષકોએ કાઠું કાઢયું, પણ ડો. સર્વપલ્લીની જેમ તેમને દુનિયા કેમ યાદ કરતી નથી? હા, શિક્ષકો સામે ફરિયાદો છે. જે શિક્ષકોને સમાજના ગુરુનું બિરુદ પ્રાપ્ત થયું છે તે ગુરુઓનું ગુરુત્વાકર્ષણ ઘટી રહ્યું છે. તેના માટેનાં અનેક કારણો જવાબદાર છે. રાજકીય હસ્તક્ષેપ, બિનઆવડતવાળું પ્રશાસનતંત્ર અને શિક્ષણમાં થતાં આડેધડના અર્થહીન અખતરાઓથી શિક્ષક અને શિક્ષણની પ્રતિભા નંદવાઈ છે.

આઝાદી પછીનાં વર્ષોનું શિક્ષણ અને આજનું શિક્ષણ! સ્થિતિ વિચિત્ર છે, શિક્ષણની અને શિક્ષકોની. "શિક્ષણમાંથી સાદગી નષ્ટ થઈ ચૂકી છે અને શિક્ષકોમાંથી વિનમ્રતા." શિક્ષકને ગુરુમાંથી નોકર બનાવવાની રાજકીય પ્રવૃત્તિઓ અને પ્રવિધિઓએ શિક્ષકને આડે પાટે ચડાવી દીધો છે. એક જમાનામાં ગુજરાતી શાળાના શિક્ષકને લોકો ગુરુજી કહેતા. આજે પણ દક્ષિણ ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષકોને વિદ્યાર્થીઓ અને વાલીઓ ગુરુજ કહીને સંબોધે છે. આ ગુરુઓ વિનમ્ર, સંયમી અને સાદગીને સર્મિપત હતા. થોડાંક વર્ષો પછી જ્યારે ગાયકવાડી સ્ટેટ થયાં ત્યારે વર્નાક્યુલર મેટ્રિક પાસ શિક્ષકોને વાલીઓ માસ્તર કહેવા માંડયા. ગામનો માસ્તર એટલે સર્વેસર્વા, લોકોનો આદર પ્રાપ્ત વ્યક્તિ. પછી આજ માસ્તર, ગુરુને પંથસુજી કહેનારો એક વર્ગ તેમને પંતુજી કહેવા માંડયો. કેમ? શિક્ષકની પ્રતિષ્ઠાને બગાડવામાં ફાળો કોનો? સમાજનો? સંસ્કારનો? કે ખુદ શિક્ષકોનો જ? આ પ્રશ્નનો જવાબ માત્ર શિક્ષકો જ આપી શકે. આજે પણ લોકો સરકારી શાળાઓનું નામ પડતાં જ મોં મચકોડે છે! ગામડાનાં બાળકો શહેરની ખાનગી શાળાઓમાં શિક્ષણ મેળવવા જાય છે. સરકારના મફ્ત શિક્ષણની ઐસી-તૈસી કરીને ખાનગી શાળામાં મોંઘીદાટ ફી આપીને બાળક પ્રવેશ મેળવે છે. તેના માટે જવાબદાર કોણ?

ક્યાંક શિક્ષકો પાસે વિષયની કૌશલ્યતા નથી. જે કુશળ છે તેમને કોઈ સાંભળતું નથી. કામ કરનારા અને રખડી ખાનારા એમ શિક્ષકોના બે ભાગ છે. સરકારના શિક્ષકો માટેના નિયમો એવા બોગસ છે, જેનાથી શિક્ષકો ત્રાહિમામ્ છે. આવા નિયમોને અટકાવવા માટે શિક્ષકોનાં સંગઠનો સંપૂર્ણ સફળ નથી. શિક્ષકોની પવિત્રતાને અભડાવવામાં આવી છે. જેના માટે ક્યાંક શિક્ષકો પણ જવાબદાર છે. વ્યવસાયની નિષ્ઠા અને ભારતનું ભાવી ઘડનારો શિક્ષક, કલ્યાણ ભાવનાને વરેલો હોવો જોઈએ, પણ દેશમાં શિક્ષણની દશા બગડેલી છે. અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષકોને કામ ગમતું નથી. રાજસ્થાનમાં ૪૭૦ શાળાઓમાં શિક્ષક જ નથી. જે શિક્ષકોની બદલી થઈ હતી, તેમણે રાજકીય વગ વાપરીને નજદીકનાં શહેરોમાં બદલીની ગોઠવણી કરી દીધી. દૂરના અંતરિયાળ ગામડાંઓમાં સારા શિક્ષકો ટકતા કેમ નથી? હરિયાણા, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળની રાજકીય (સરકારી) શાળાઓ અને તેમાંય ખાસ કરીને ગામડાંની શાળાઓ પડી ભાંગી છે.

ગુજરાતમાં શિક્ષણની ખાસ કરીને પ્રાથમિક શિક્ષણની દશા આજે કફોડી છે. તેના માટે સરકાર અને શિક્ષકો બંને જવાબદાર છે. શિક્ષકોને ભણાવવા માટેનો પૂરતો સમય મળતો નથી અને સરકાર ગુણવત્તા પ્રગટાવવાની વાતો કરે છે, પણ ગુણનું પ્રાગટય કરવા માટેનો સમય જ શિક્ષકોને આપતી નથી. રાજકીય ખીચડી પકવવા માટે શિક્ષણ અને શિક્ષકોને હાથા બનાવવાના પ્રયોગો થઈ રહ્યા છે. શિક્ષણના અધિકારીઓ પૂરતા પ્રમાણમાં સ્વતંત્ર નથી. ગુજરાતનું શિક્ષણ ખાતું નિવૃત્ત અધિકારીઓથી ચાલે છે. ક્યાંક કેટલાક શિક્ષકો પણ શિક્ષણ અને શિક્ષકની ગરિમાને તોડવા માટે જવાબદાર છે. મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાની કેટલીક પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો શ્રદ્ધાના પાઠ ભણાવવાને બદલે અંધશ્રદ્ધાનાં કાવતરાં કરે છે. ઈકોતેરનો ઘડિયો ભણાવવાને બદલે ચિકોતર (ભૂતપ્રેત)ના પાઠ ભણાવે છે. એક આખા ગામે ફરિયાદ કરી છે કે સાહેબ આ શિક્ષક ભૂવો છે, પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી.

કેટલાય શિક્ષકો વ્યસની છે. શાળામાં ગુટકા કે મસાલો ચાવીને શિક્ષકો ભણાવે છે. કોઈ રોકતું નથી, ટોકતું નથી. શાળામાં મોબાઇલ લઈ જવાનો પ્રતિબંધ છે! તંત્ર-ધૃતરાષ્ટ્ર છે. ગુણોત્સવ વખતે એક શાળામાં ગયેલા એક ઉચ્ચ અધિકારી અને શાળાનો શિક્ષક નશામાં હતા, આ વાત પર પડદો પડી ગયેલો. શિક્ષકોને કક્કો બારાખડી આવડતું નથી, એટલે થોડાંક વર્ષો પહેલાં લેખન-ગણનની તાલીમ આપવી પડેલી. શિક્ષકોની બદલીઓમાં સાટાંપદ્ધતિ શરૂ થઈ છે. બદલીના કડક નિયમોને કારણે શિક્ષકો અંદરો-અંદર લાખો રૂપિયાના વેપાર કરીને બદલી કરાવે છે. જિલ્લા ફેર અરસપરસ બદલીઓના ભાવો શિક્ષણમંત્રીને ખબર છે? પ્રાથમિક શિક્ષકો બગડેલા નથી. તેમને બગાડવામાં આવી રહ્યા છે. શિક્ષકનું ચારિત્ર્ય કેમ નબળું પડયું છે? આજે શિક્ષકનો દિવસ છે. હૃદયથી જે શિક્ષક સંપન્ન છે, વ્યવસાયને સર્મિપત છે, તેને જ વંદન હોય. બાકી કાંઠા-કબાડિયાઓએ આજના દિવસે પ્રેરણા લેવાની હોય કે બહુ થયું હવે.

નિષ્ઠાવાન શિક્ષકોને જ સલામ. ખાસ કરીને પેલા ટોપીવાળા, સોટીવાળા શિક્ષકોને સલામ

No comments:

Post a Comment