સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Saturday, September 15, 2012

GEET


જોડે રહેજો રાજ
તમે કિયા તે ભાઈની ગોરી કોની વહુ
જોડે રહેજો રાજ
જોડે કેમ રહું રાજ
મને શરમના શેરડાં ફૂટે ને
જોને દિવો બળે હો રાજ
જોડે નહિ રહું રાજ
શિયાળાની ટાઢ પડે ને
જોડે કેમ રહું રાજ
જોડે રહેજો રાજ
ફૂલની પછેડી સાથે રે હો લાડવઈ
જોડે રહેજો રાજ
જોડે કેમ રહું રાજ
મને શરમના શેરડાં ફૂટે ને
જોને દિવો બળે હો રાજ
જોડે નહિ રહું રાજ
ઉનાળાના તાપ પડે ને
જોડે કેમ રહું રાજ
જોડે રહેજો રાજ
ફૂલના પંખા સાથે રે હો લાડવઈ
જોડે રહેજો રાજ
જોડે કેમ રહું રાજ
મને શરમના શેરડાં ફૂટે ને
જોને દિવો બળે હો રાજ
જોડે નહિ રહું રાજ
ચોમાસાની ઝડીઓ પડે ને
જોડે કેમ રહું રાજ
જોડે રહેજો રાજ
મોતીના મોડિયા સાથે રે હો લાડવઈ
જોડે રહેજો રાજ
જોડે કેમ રહું રાજ
મને શરમના શેરડાં ફૂટે ને
જોને દિવો બળે હો રાજ
જીવલડો વલોવાયો
તમે ઓરા આવો રાજ
જીવલડો વલોવાયો
તમે ઓરા આવો રાજ
જોડે રહેજો રાજ
ચાંદા-સૂરજની સાખે ભવોભવ
જોડે રહેજો રાજ
ચાંદા-સૂરજની સાખે ભવોભવ
જોડે રહેજો રાજ





મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે,
મારાં હૈડાં હારોહાર, મારાં દલડે લેરાલેર જાય,
જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે…..મારે ટોડલે બેઠો…..
મારે કમખે બેઠો રે, મોર ક્યાં બોલે
મારી ચુંદડી લેરાલેર, જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે
મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે.
મારા કડલે બેઠો રે, મોર ક્યાં બોલે
મારી કાંબીયું લેરાલેર, જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે
મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે.




                                           


ચાંદો ઊગ્યો ચોકમાં, ઘાયલ ! ચાંદો ઊગ્યો ચોકમાં,
એ લે’રીડા! (લહેરીડા) હરણ્યું આથમી રે હાલાર શે’રમાં, અરજણિયા !
ઝાંપે તારી ઝૂંપડી, ઘાયલ ! રે ઝાંપે તારી ઝૂંપડી,
એ લે’રીડા! આવતાં જાતાંનો નેડો લાગ્યો રે, અરજણિયા !
ભેસું તારી ભાલમાં, ઘાયલ ! રે ભેસું તારી ભાલમાં,
એ લે’રીડા! પાડરું પાંચાળમાં ઝોલાં ખાય રે, અરજણિયા !
ગાયું તારી ગોંદરે, ઘાયલ ! ગાયું તારી ગોંદરે,
એ લે’રીડા! વાછરું વઢિયારમાં ઝોલાં ખાય રે, અરજણિયા !
પાવો વગાડ્ય મા, ઘાયલ ! રે પાવો વગાડ્ય મા,
એ લે’રીડા! પાવો રે પરણેતર ઘરમાં સાંભળે રે,અરજણિયા !
ચીતું રે લગાડ્ય મા, ઘાયલ ! ચીતું લગાડ્ય મા,
એ લે’રીડા! ચીતું સાસુડી ઘરમાં સાંભળે રે, અરજણિયા !
બખિયાળું (તારું) કડીઉં, ઘાયલ ! રે બખિયાળું કડીઉં,
એ લે’રીડા! તેદુંનો છાંડેલ અમારું ફળિયું રે, અરજણિયા!
ખંભે તારે ખેસડો, ઘાયલ ! રે ખંભે તારે ખેસડો,
એ લે’રીડા! તેદુનો છાંડેલ અમારો નેસડો રે, અરજણિયા !
રૂપાળીને મોઇશ મા, ઘાયલ ! રે રૂપાળીને મોઇશ મા,
એ લે’રીડા! રૂપાળી બાવડાં બંઘાવશે રે, અરજણિયા !
કુંવારીને મોઇશ મા ઘાયલ ! કુંવારીને મોઇશ મા,
એ લે’રીડા! કુંવારી કોરટું દેખાડશે રે, અરજણિયા !
ખોળામાં બાજરી ઘાયલ ! રે ખોળામાં બાજરી,
એ લે’રીડા! લીલી લીંબડીએ લેવાય હાજરી રે, અરજણિયા !
ખોળામાં ખજૂર છે ઘાયલ ! રે ખોળામાં ખજૂર છે,
એ લે’રીડા! તારા જેવા મારે મજૂર છે રે, અરજણિયા !
પાવો વગાડ્ય મા, ઘાયલ ! રે પાવો વગાડ્ય મા,
એ સેલુડા ! પાવો સાંભળીને પ્રાણ વીંઘાય રે, અરજણિયા !
તારે મારે ઠીક છે, ઘાયલ ! રે તારે મારે ઠીક છે,
એ લેરીડા ! ઠીકને ઠેકાણે વે’લો આવજે રે, અરજણિયા !
લીલો સાહટિયો, ઘાયલ ! રે લીલો સાહટિયો,
એ લેરીડા! લીલે રે સાહટિયે મોજું માણશું રે, અરજણિયા!




લાગ્યો કસુંબીનો રંગ -
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !
જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. – રાજ..
બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ. – રાજ..
દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ. – રાજ..
ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ – રાજ..
નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ. – રાજ…
પિડિતની આંસુડાધારે – હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. – રાજ
ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ. – રાજ…
ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલા હો ! પીજો કસુંબીનો રંગ;
દોરંગાં દેખીને ડરિયાં : ટેકીલા તમે! હોંશિલા તમે ! રંગીલા તમે લેજો કસુંબીનો રંગ!
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ -
લાગ્યો કસુંબીનો રંગ !
- ઝવેરચંદ મેઘાણી (કવિ પરિચય)

No comments:

Post a Comment