સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Wednesday, September 12, 2012


મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી
મારી હૂંડી શામળિયાને હાથ રે , શામળા ગિરધારી
રાણાજીએ રઢ કરી, વળી મીરા કેરે કાજ
ઝેરના પ્યાલા મોકલ્યાં રે, વ્હાલો ઝેરના જારણહાર રે
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
સ્થંભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધરિયાં નરસિંહ રૂપ
પ્રહલાદને ઉગારિયો રે, વ્હાલે માર્યો હરણાકંસ ભૂપ રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
ગજને વ્હાલે ઉગારિયો, વળી સુદામાની ભાંગી ભૂખ
સાચી વેળાના મારા વ્હાલમા રે, તમે ભક્તોને આપ્યાં ઘણાં સુખ રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
પાંડવની પ્રતિજ્ઞા પાળી, વળી દ્રૌપદીનાં પૂર્યાં ચીર,
નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારજો રે, તમે સુભદ્રાબાઈના વીર રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
ચાર જણા તીરથવાસી ને, વળી રૂપિયા સો સાત,
વહેલા પધારજો દ્વારિકા રે, એને ગોમતી નાહ્યાની ખાંત રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
રહેવાને નથી ઝૂંપડું, વળી જમવા નથી જુવાર,
બેટો બેટી વળાવિયાં રે, મેં તો વળાવી ઘર કેરી નાર રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
ગરથ મારું ગોપીચંદન, વળી તુલસી હેમનો હાર,
સાચું નાણું મારો શામળો રે, મારે દોલતમાં ઝાંઝપખાજ રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
હુંડી સ્વીકારી વ્હાલે શામળે, વળી અરજે કીધા કામ
મહેતાજી ફરી લખજો, મુજ વાણોતર સરખાં કાજ રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
– નરસિંહ મહેતા



ઊંચી મેડી તે મારા સંતની રે,
મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે.

અમને તે તેડાં શીદ મોક્લ્યાં,
કે મારો પીંડ છે કાચો રામ,
મોંઘા મૂલની મારી ચુંદડી,
મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….

અડધાં પેહર્યાં અડધાં પાથર્યાં,
અડધાં ઉપર ઓઢાડ્યાં રામ
ચારે છેડે ચારે જણાં,
તોયે ડગમગ થાયે રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….

નથી તરાપો, નથી તુંબરા,
નથી ઉતર્યાનો આરો રામ
નરસિંહ મહેતાના સ્વામી શામળા,
પ્રભુ પાર ઉતારો રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….



મેરુ તો ડગે જેનાં મન નવ ડગે, પાનબાઈ
મરને ભાંગી પડે બ્રહ્માંડજી;
વિપત્તિ પડે તોય વણસે નહીં;
સોઈ હરિજનનાં પ્રમાણજી.

ચિત્તની વૃતિ જેની સદા રહે નિર્મળી,
ને કરે નહીં કોઈની આશજી;
દાન દેવે પણ રહે અજાચી,
રાખે વચનમાં વિશ્વાસ જી – મેરુ.

હરખ ને શોકની આવે નહી હેડકી,
આઠે પહોર રહે આનંદજી,
નિત્ય રહે સત્સંગમાં ને
તોડે માયા કેરા ફંદજી – મેરુ.

તન મન ધન જેણે ગુરુને અર્પ્યાં,
તેનું નામ નિજારી નર ને નારજી,
એકાંતે બેસીને અલખ આરાધે તો,
અલખ પધારે એને દ્વારજી – મેરુ.

સતગુરુ વચનમાં શૂરા થઈ ચાલે,
શીશ તો કર્યાં કુરબાન રે,
સંકલ્પ વિકલ્પ એકે નહિ ઉરમાં,
જેણે મેલ્યાં અંતરનાં માન રે – મેરુ.

સંગત કરો તો એવાની કરજો,
જે ભજનમાં રહે ભરપુરજી,
ગંગા સતી એમ બોલિયાં, પાનબાઈ
જેનાં નેણોમાં વરસે ઝાઝાં નૂરજી – મેરુ.

– ગંગા સતી


હું તો કાગળિયાં લખી લખી થાકી
કાનુડા તારા મનમાં નથી

આવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા
મારા કાળજડાં ઠરી ઠરી જાય રે
પાતળીયા તારા મનમાં નથી

હું તો કાગળિયાં લખી લખી થાકી
કાનુડા તારા મનમાં નથી

આવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા
મારા પાવનિયાં બળી બળી જાય રે
છોગાળા તારા મનમાં નથી

હું તો કાગળિયાં લખી લખી થાકી
કાનુડા તારા મનમાં નથી

આવા ચોમાસાનાં ચાર ચાર મહિના આવ્યા
મારી ચૂંદલડી ભીંજાઇ ભીંજાઇ જાય રે

કાનુડા તારા મનમાં નથી
હું તો કાગળિયાં લખી લખી થાકી
કાનુડા તારા મનમાં નથી



વીજળીને ચમકારે મોતી પરોવવું પાનબાઇ !
નહિતર અચાનક અંઘારા થાશે;
જોતજોતાંમાં દિવસ વયા ગયા પાનબાઇ !
એકવીસ હજાર છસોને કાળ ખાશે….
ભાઇ રે ! જાણ્યા જેવી આ તો અજાણ છે પાનબાઇ !
આ તો અધૂરિયાને નો કે’વાય,
આ ગુપત રસનો ખેલ છે અટપટો,
આંટી મેલો તો પૂરણ સમજાય….
ભાઇ રે ! નિરમળ થૈને આવો મેદાનમાં પાનબાઇ !
જાણી લિયો જીવની જાત;
સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને,
બીબે પાડી દઉં બીજી ભાત….
ભાઇ રે ! પિંડ બ્રહ્માંડ્થી પર છે ગુરુ પાનબાઇ !
તેનો દેખાડું હું તમને દેશ,
ગંગા રે સતી એમ બોલિયાં રે,
ત્યાં નહિ માયાનો જરીયે લેશ….
- ગંગા સતી

No comments:

Post a Comment