સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Saturday, September 8, 2012

લીલા 3

લીલા 3

પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી.
મઝા જે હોય છે ચૂપમાં તે ચર્ચામાં નથી હોતી.
દયામાં પણ નથી હોતી, દિલાસામાં નથી હોતી,
કહે છે જેને શાંતિ દિલની, દુનિયામાં નથી હોતી.
ગુલાબી આંખની રંગીની શીશામાં નથી હોતી,
નજરમાં હોય છે મસ્તી તે મદીરામાં નથી હોતી.
મજા ક્યારેક એવી હોયે છે ‘ના’માં પણ,
અનુભવ છે કે એવી સેંકડો ‘હા’માં નથી હોતી.
જઈને તૂર ઉપર એમણે સાબિત કરી દીધું;
કે આદમ જેટલી હિંમત ફરિશ્તામાં નથી હોતી.
તમારી આ યુવાનીની બહારો શી બહારો છે !
બહારો એટલી સુંદર બગીચામાં નથી હોતી.
અરે આ તો ચમન છે, પણ યદિ વેરાન જંગલ હો,
કહો જ્યાં જ્યાં તમે હો છો મજા શામાં નથી હોતી ?
મોહબ્બત થાય છે પણ થઈ જતાં બહુ વાર લાગે છે,
મોહબ્બત ચીજ છે એવી જે રસ્તામાં નથી હોતી.
ગઝલ એવીય વાંચી છે અમે ‘લીલા’ની આંખોમાં.
અલૌકિક-રંગમય જે કોઇ ભાષામાં નથી હોતી.
અનુભવ એ પણ ‘આસીમ’ મેં કરી જોયો છે જીવનમાં,
જે ઊર્મિ હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી.
-આસિમ રાંદેરી

ફરી જીવનમાં એવી ભૂલ ના થઈ જાય તે માટે,
કોઈ ભૂલી જવાયેલા વચનની ભેટ આપી દઉં.
-આસીમ રાંદેરી (જ.તા.: 15-08-1904)
નથી એક માનવી પાસે બીજો માનવ હજી પહોંચ્યો,
‘અનિલ’ મેં સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો.
-રતિલાલ ‘અનિલ’
શ્વાસોની મનભર માયા, મૃત્યુની નિશદિન છાયા;
ક્ષણક્ષણનો તરગાળો છું; માણસ જેવો માણસ છું.
-ભગવતીકુમાર શર્મા
દિલના ઉઝરડા યુગો માંગે,
રોવાથી કંઈ રૂઝ ન આવે.
-અમર પાલનપુરી
હવે હું રોઉં તો મુજ નેણથી વરસી રહે રેતી;
હવે ધીરે ધીરે માનસ મહીં પથરાય છે સહરા !
-કિસન સોસા
શાલ-સન્માન આવશે આડે
શબ્દ સાથે હજીય દૂરી છે !
-નિર્મિશ ઠાકર
માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ડૂબી જવાની ઘટના ઉર્ફે;
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…
-નયન દેસાઈ

No comments:

Post a Comment